મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુજરાતના 10 જેટલા સફાઇ કર્મવીરો સાથે સીધી વાત કરી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબૉર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના સફાઇ કર્મવીરો સાથે વાત કરતાં શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સફાઈ કર્મવીરોની અનન્ય સેવા અને નિષ્ઠાપૂર્વકના કર્તવ્યથી ગુજરાતની જનતા સલામત અને કોરોના સામે સુરક્ષિત છે.
તેમણે ગુજરાતની જનતા વતી રાજ્યના તમામ સફાઈ કર્મવીરોનો આભાર માનીને તેમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મયોગી શ્રીમતી દિનાબેન નરેશભાઈ વાઘેલા સાથે વાત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આવા કપરા સંજોગોમાં તમે સફાઈ કર્મવીરો ગુજરાતને સ્વચ્છ રાખવાની જે કપરી કામગીરી કરો છો તે અભિનંદનને પાત્ર છે. તેમણે તમામ સફાઇ કર્મીઓને આપવામાં આવતા માસ્ક, હેન્ડગ્લોઝ, સેનિટાઈઝર, હાથ ધોવાના સાબુ વગેરેની પણ પૃચ્છા કરી હતી. તમામ સફાઈ કર્મવીરોએ તેમને મળી રહેલી તમામ સુવિધાઓથી પણ સંતોષ વ્યક્ત કરીને મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.