રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનના બાકીના સાત દિવસો દરમિયાન પણ લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ વધુ સઘન પ્રયાસો કરશે. રાજ્યના નાગરિકોએ અત્યાર સુધી જેવો સંયમ રાખ્યો છે એવો જ સંયમ રાખીને પોલીસને સહયોગ આપે તે જરૂરી છે અન્યથા નાછૂટકે પોલીસ જરૂરી ફોર્સ વાપરતા પણ અચકાશે નહીં.

લોકડાઉન દરમિયાન પોલીસ વિભાગ દ્વારા કરાયેલ કામગીરીની મીડિયાને વિગતો આપતાં શ્રી ઝાએ કહ્યું કે, જે વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ છે અને ક્લસ્ટર કવોરંટાઈન કરાયું છે ત્યાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરાશે. જેમાં એસ.આર.પી., સી.આઇ.ડી. ક્રાઇમ, વિવિધ પોલીસ સંસ્થાઓ, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારી-કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જેમાં વધારાના ૧૩ ડીવાયએસપી, ૧૦૨ પીઆઇ, ૫૧ પીએસઆઇ અને ૩૯૭ એ.એસ.આઈ થી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ સહિત એસ.આર.પી. ફોર્સને પણ તૈનાત કરી દેવાઈ છે.

શ્રી ઝાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચના અનુસાર લોકડાઉનના ચુસ્ત અમલ માટે એન.સી.સી.ના ૨૬૯૮ અને એન.એસ.એસ.ના ૨૭૩૪ તાલીમબદ્ધ કેડેટ્સને પોલીસની કામગીરીમાં જોડીને તેમનો પણ સહયોગ લઇ લોકડાઉનની કડક અમલવારીની કામગીરી વધુ સઘન બનાવાશે.

તેમણે કહ્યું કે, સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ ખાસ તકેદારી રાખવા સૂચવ્યું છે, તે માટે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવાયું છે. શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે તેમને ગામના આગેવાનો – પોલીસ મિત્રની મદદ લઈને કવોરંટાઈન કરવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે અને આવા લોકોને ગામના વયસ્કોથી દૂર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.

શ્રી ઝાએ ઉમેર્યું કે, લોકડાઉનના અમલમાં કાર્યરત પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આવા તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને આ દરમિયાન કોરોના રોગના લક્ષણો જણાય તો ટેકનોલોજીની મદદથી તેની જાણ ઉચ્ચ અધિકારીઓને થશે એટલું જ નહીં, દરરોજ તેમની મેડીકલ ફિટનેસ અપડેટ લેવામાં આવશે. પોલીસ અધિકારી-કર્મચારીઓના હેલ્થ ચેકઅપની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

શ્રી ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલ પાસ – પરમીટનો દુરુપયોગ કરે છે, આ વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડ્રોન મારફતે પણ આવા વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં ૧૧૪ ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે ત્યારે લોકડાઉનની ગંભીરતા સમજીને નાગરિકો સ્વયં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તેવી પણ અપીલ શ્રી ઝાએ કરી છે.

દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે શ્રી ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૨૬ નાગરિકો ઓળખાયા હતા. આજે અન્ય વધુ એક વ્યક્તિને 

ઓળખી લેવામાં આવ્યા છે જે નવસારીના ગણદેવી વિસ્તારના છે. એટલે કે દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા કુલ ૧૨૭ વ્યક્તિઓને ગુજરાત પોલીસે ઓળખી કાઢ્યા છે. જે પૈકી મોટાભાગના અમદાવાદ, ભાવનગર, મહેસાણા, જૂનાગઢ, બોટાદ, સુરત, છોટાઉદેપુર અને નવસારી વિસ્તારના હોવાનું ધ્યાને આવ્યું છે.

ક્લસ્ટર કવોરંટાઈન કરાયેલા તમામ વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા એસ.આર.પી.ની વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે ત્યારે આવા વિસ્તારોમાં પોલીસને પૂરતો સહયોગ આપવા શ્રી ઝાએ નાગરિકોને અપીલ કરી છે.

શ્રી ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૧ ગુનાઓ દાખલ કરી ૨૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૩૪૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૬૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૫૪૧ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૬૭૭ તથા અન્ય ૧૬૨ ગુનાઓ મળી કુલ ૨૩૮૦ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૩૯૫૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૭૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here